Tuesday, February 2, 2016

કૃષ્ણ : 21 મી સદીના ભગવાન, ઈશ્વર - જય વસાવડા.

જેમ જેમ યુગો વીતતા જાય તેમ તેમ વધારે ને વધારે પ્રસ્તુત બનતું જાય એવું વ્યક્તિત્વ એટલે ‘કૃષ્ણ’. એ તમને ગમે ત્યાં મળી શકે. વેદથી લઈને લોકગીતો સુધી એમનો વ્યાપ છે. શૃંગાર-વિતરાગ, પ્રેમ-નીતિ, નિર્દોષતા-બુદ્ધતા જેવા અનેક પરસ્પર વિરોધી ભાવોના એ સંયુકત ઉદ્દગમસ્થાન છે. જેમનું વર્ણન કરતાં વાણી થંભી જાય અને વર્ણન કરનાર જ કૃષ્ણમય બની જાય એવા વડના પાંદડે પોઢેલા બાળકૃષ્ણને આજે તેમનાં પ્રાગટ્ય દિને નમન કરીએ. સાહિત્યકારોએ તો એમને અનેક દષ્ટિએ જોયા છે પરંતુ આજના યુવાન હૈયામાં દેખાતી તેમની એક અલગ છબીને ઝીલી છે શ્રી જયભાઈ વસાવડાએ… પ્રસ્તુત લેખ તેમના 2003માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘કૃષ્ણ : 21મી સદીના ઈશ્વર’માંથી સાભાર લેવામાં આવ્યો છે. હાલ આ પુસ્તક અપ્રાપ્ય છે પરંતુ ડિસેમ્બર-2010માં તેની સંવર્ધિત નવી આવૃત્તિ આવી રહી છે. રીડગુજરાતીને આ લેખની પરવાનગી આપવા માટે શ્રી જયભાઈનો (ગોંડલ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jayvaz@gmail.com અથવા આ નંબર પર +91 9825437373 સંપર્ક કરી શકો છો. સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ…. – તંત્રી.]
[1]
જોઈએ છે એક ઈશ્વર !
એક એવા ભગવાન કે જેની પ્રતિમા પ્રાચીન હોય, પણ ઉપદેશ અર્વાચીન હોય. જેમનામાં દંતકથામય ભવ્યતા અને દૈવી ચમત્કારિતા હોય. સાથોસાથ માનવીય લાગણીઓ અને સ્વાભાવિક ગમાઅણગમા પણ હોય. જરૂરિયાત મુજબ યુદ્ધત્વ અને બુદ્ધત્વ બંનેનો પરિચય કરાવી શકે. જે સિદ્ધાંતોના મૂળિયા તરછોડે નહીં, છતાં નવીનતાની ડાળીઓ ફેલાવા દે. જે બીજાને બચાવવા જાન આપી દે તેવા પરોપકારી નહીં પણ બીજાને બચાવવા માટે જાન લઈ લે તેવા પ્રભાવશાળી હોય. જેમના માટે જીવન ઉદાસી નહીં પણ ઉત્સવ હોય. જેમનામાં યૌવનનો આધુનિક થનગનાટ હોય અને ઊંડાણપૂર્વકના અભ્યાસનો તરવરાટ હોય. જે આઈડિઅલ (આદર્શ) નહીં પણ પ્રેક્ટિકલ (વ્યવહારુ) હોય. જેમની પૂજા ન થાય, જેમને પ્રેમ થાય !
નેચરલી…. પૃથ્વીના પટ પર આવું ચરિત્ર એક જ છે.
યુગદષ્ટા શ્રીકૃષ્ણ !
[2]
મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને કૃષ્ણને આશીર્વાદ આપતા કહે છે કે : ‘જ્યાં સુધી મનુષ્યનો અન્નમાં ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ !’ આ આશીર્વાદ સંપૂણપણે સાચા પડ્યા છે. વિશ્વહિન્દુ પરિષદની શોભાયાત્રાઓ હોય કે હરેકૃષ્ણ સંપ્રદાયનું સંકીર્તન આંદોલન, નીતિશ ભારદ્વાજની ચૂંટણી હોય કે રામાનંદ સાગરની ટી.વી. સિરિયલ… લોકોના કૃષ્ણપ્રેમે બધાને વારી દીધા છે. આજની યુવાપેઢીએ ધર્મના બંધનો અને સંસ્કૃતિના મૂલ્યોને ખંભાતી તાળું માર્યું છે. એને ગાંધીજી વેદિયા લાગે છે અને રામના આદર્શો હાસ્યાસ્પદ ભાસે છે. પણ હજુય ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે….’ની સૂરાવલિઓ પર એના પગ ઉમંગથી થિરકે છે !
એકવીસમી સદીના ઓવારે બેસીને જોઈએ તો પણ ભારતમાં હજુ સુધી એક પણ એવો ચિંતક કે લેખક પેદા નથી થયો, જેણે કૃષ્ણ અંગે કશુંક ન લખ્યું હોય. કૃષ્ણ પ્રત્યેનો આદર વાર-વહેવારે પ્રજામાં ઉછળતા ધાર્મિક વેવલાવેડાનાં મોજાંઓની થપાટો વચ્ચે, અડગ નિશ્ચલ દીવાદાંડીની માફક સામાન્ય ભારતીયના હૃદયને અજવાળતો રહ્યો છે. આમ કેમ ?
[3]
કૃષ્ણની કરુણતા કે વિશેષતા – જે કહો તે એ કે એમનો જન્મ એમનાં સમય કરતાં ઘણો વહેલો થયો છે. દરેક યુગપુરુષ પોતાના યુગ કરતાં વહેલો જન્મી જાય છે ! કદાચ એટલે જ એ યુગપુરુષ બની શકે છે. દરેક નકામો માણસ પોતાનો સમય વીતી ગયા પછી જન્મે છે. આજે આવા નકામા પરંપરાગત પૂછડાઓથી દુનિયા ઉભરાઈ પડી છે, જે કાળચક્રને ભૂતકાળ ભણી મરડી રહ્યા છે. કાશ…. કૃષ્ણ એમના અનુકૂળ સમય યાને 21મી સદીમાં જન્મ્યા હોત….!
અન્ય અવતારી પુરુષોને સમજવા સહેલા છે, કારણ કે એ બધા કોઈને કોઈ થિયરી આપી દે છે. કૃષ્ણ કોઈ જ વાદ, મત કે વિચારધારા આપતા નથી. માટે જ શતાબ્દીઓથી અનુયાયીઓ માટે પણ કૃષ્ણ એક કોયડો બની ગયા છે. ગાંધીજી સત્ય અને અહિંસામાં માની ગીતાને પરમ આરાધ્યગ્રંથ માનતા. પણ ગાંધીજીએ ઈષ્ટદેવ તરીકે ‘રામનામ’ સ્વીકારેલું ! કૃષ્ણ તો ‘સત્ય’ માટે જરૂર પડે હિંસા પણ કરવા માટે જાણીતા છે ! એટલે સ્તો કૃષ્ણભક્તો પણ કૃષ્ણને પૂર્ણ સ્વરૂપે સ્વીકારી શકતા નથી. કોઈ બાળકૃષ્ણને ભજે છે તો કોઈ રાધાકૃષ્ણને ! કોઈ ગીતાકારને તો કોઈ યોગેશ્વરને ! કૃષ્ણ અખિલાઈમાં પચાવવા અઘરા છે….!
[4]
કૃષ્ણે એમના જીવનમાં શું કર્યું એ તો સૌ કોઈ જાણે છે. પણ એમના કેટલાક કર્તવ્યોના ભેદ ‘બિટ્વીન ધી લાઈન્સ’ એટલે કે, પડદા પાછળના તર્કથી ઉકેલવા પડે. ભારતીય સંસ્કૃતિના અન્ય તમામ ચરિત્રો આદર્શ મર્યાદાઓના પાલક છે, રૂઢિઓને અનુસરવાનું ગૌરવ મેળવે છે. ત્યારે કૃષ્ણ પરંપરાભંજક છે, પ્રચલિત માન્યતાઓનું ખંડન કરે છે, પોતાનું વિશિષ્ઠ કાળચક્ર ચલાવે છે…. અસત્ય બોલે છે પણ અકારણ નહીં… શૃંગાર કરે છે પણ વિલાસ નહીં…. યુદ્ધ કરે છે પણ હિંસા નહીં…. પથપ્રદર્શનમાં માને છે પણ આંધળા અનુકરણમાં નહીં….! કૃષ્ણ એ તળિયાથી ટોચ સુધીની વ્યક્તિઓને પોતાના દલાલો તથા એજન્ટ જેવા સાધુબાવા અને સંપ્રદાયવાળાઓની મદદ વિના સમજાય તેવા ‘લોકાભિમુખ’ ભગવાન છે. એટલે જ તો એમની ભજનલીલા પણ રાસલીલા સમાન આનંદદાયક બને છે.
શ્રીકૃષ્ણ પ્રલયની વચ્ચે ઉદ્દભવતો પૂર્ણતાનો લય છે.
એ ખેડૂત અને ખેતરયાળ બંને બની શકે છે.
[5]
લગ્ન જેવા સંબંધોની વાત આવે ત્યારે હજુયે પ્રિયજનને પામવા ભાગીને લગ્ન કરતાં બાપડાં પ્રેમી પંખીડા પર બધાય ઘોસ બોલાવે છે. તિરસ્કાર કરીને એમને હેરાન-પરેશાન કરે છે. કૃષ્ણ પોતાની પ્રેયસીઓને પામવા માટે લડતા-ઝઘડતા અને ખુલેઆમ એનું અપહરણ કરતાં પણ અચકાતા નથી. સગીબહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કરવા અન્ય સ્વજનો તૈયાર નહોતા, ત્યારે સુભદ્રાને ભગાડી અર્જુનને પણ ખુલ્લી છાતીએ અપહરણ કરવાની સલાહ તેઓ આપે છે. પૌત્ર અનિરુદ્ધના પ્રેમલગ્ન માટે વૃદ્ધાવસ્થામાં એ યુદ્ધે ચડેલા છે. અલબત્ત, અહીં બળજબરીની વાત નથી. રુકમિણી, સત્યભામા કે જાંબવતી ખુદ કૃષ્ણના પ્રેમમાં ગળાડૂબ હતી, એ નોંધ લેવા જેવી વાત છે.
આવા ‘લવિંગ લોર્ડ’ કોને ન ગમે ?
[6]
કૃષ્ણ કેટકેટલી રીતે ‘મિલેનિયમ ઓલમાઈટી’ થઈ શકે તેવી કલ્પનાઓનો અંત આવે તેમ નથી. મનોવિજ્ઞાન કહે છે કે બાળકોને એમની મરજી મુજબ નટખટ બનવા દો. આધુનિક બચ્ચાઓ પણ વડીલોની સાડીબાર રાખ્યા વિના એમના નાકમાં દમ આવી જાય તેવાં સ્માર્ટ તોફાનો કરે છે. આપણા સમાજનો ઢાંચો વડીલોના હાથ નીચે ભૂલકાંને દબાવી રાખવાનો છે. પણ કૃષ્ણ આજ્ઞાંકિત ટાબરિયામાંના એક નથી. એ શિસ્તબદ્ધ નહીં, પણ શરારતી બાળક છે. માખણચોર છે.
એકદમ અલ્ટ્રામોર્ડન કિડ !
એક વેગળી વાત.
આજે ફેશન ટ્રેન્ડઝ મુજબ જગતભરમાં શ્યામવર્ણનો ઝપાટો ચાલ્યો છે. હોલિવુડની ફિલ્મો, પોપ સોન્ગ્સ, બ્યુટી કોન્ટેસ્ટ… સઘળે ડાર્ક દેખાતા આફ્રિકા-એશિયા(ભારત)ના યુવક-યુવતીઓ મેદાન મારી જાય છે. એ ન્યાયે પણ કૃષ્ણ નામના સિક્કા પડે !
[7]
સામાન્ય માણસને ઈશ્વરની આરાધના વિના પાછલા યુગોમાં પણ ચાલ્યું નહોતું, આવનારા યુગોમાં પણ ચાલવાનું નથી. ઈશ્વરની ભક્તિ કરતાં કરતાં માણસે અનેક મહાપુરુષો સામે શીશ ઝુકાવ્યું છે. પરંતુ હવે જમાનો બદલાતો જાય છે. યુવાપેઢી ‘આગે સે ચલી આતી હૈ’ની પરંપરા મુજબ કદાચ ધર્મસ્થાનોમાં માથુ તો ઝુકાવી રહી છે, પણ એમનું મન આવી ઈશ્વરીય આસ્થામાં ઝુકતું નથી. ધર્મને નામે ચાલતા દંભ, આછકલાઈ અને જુનવાણી જડતાનાં બંધનો યુવાવર્ગને અકળાવી રહ્યાં છે. એમને વેવલો ઈશ્વર ખપતો નથી. એમને તો પગ પાસે પડેલા પ્રશ્નો ઉકેલી શકે એવો 21મી સદીનો ‘ન્યૂ મિલેનિયમ ગોડ’ જોઈએ છે, જે એમને તાજો કે વાસી કોઈ જ ધર્મ ન શીખવાડે…. જે એમને બસ જિંદગી જાણતા અને માણતા શીખવાડે. નવા જમાનાના ઈશ્વર સંજોગોથી ભાગી જાય કે સંજોગો સામે તૂટી જાય તેવા નહીં,
પણ કૃષ્ણની જેમ સંજોગોને તોડી બતાવે તેવા હોય !
[8]
કૃષ્ણ સાહજિક અને પ્રાકૃતિક છે. એટલે જ પુરુષ નહીં, પણ મહાપુરુષ છે. બાંસુરીના ‘સિમ્બોલ’વાળા આ પ્રભુ જગતના એકમાત્ર ‘મ્યુઝિકલ’ અને ‘ડાન્સિંગ’ ભગવાન છે. એમને સંગીત, નૃત્ય, ક્રીડા અને રમૂજ એટલાં જ પ્રિય છે…. જેટલી પ્રિય તત્વજ્ઞાન અને રાજનીતિની ચર્ચાઓ છે. કૃષ્ણ આજીવન વર્ગભેદની સામે લડ્યા છે. આજના દૌરમાં આવા જ લીડરને લોકો ઝંખે છે. કૃષ્ણે સંગઠનનો મહિમા ગાયો છે. નવા નગર આયોજનો કર્યા છે. સામેની વ્યક્તિના વિચારો જાણવામાં એ માહેર છે. મુખ પર સ્મિત અને દિમાગમાં દાવપેચ એમની ખાસિયત છે. કવિઓ અને ભક્તો પણ પોતાના મનમાં રમતો ‘શૃંગારસ’ કૃષ્ણને કાલ્પનિક નાયક બનાવી, એમના નામે બેધડક ચડાવી શકે… એટલા એ ‘બ્રોડ માઈન્ડેડ એન્ડ એડવાન્સડ’ છે !
આજની નોલેજ સોસાયટીમાં કૃષ્ણ ઓન ધ સ્પોટ ગીતાજ્ઞાન સંભળાવે તેવા જ્ઞાની છે. ગળાકાપ હરિફાઈમાં યેનકેન પ્રકારે સામી છાતીએ અગ્રેસર રહે તેવા વીર છે.

No comments:

Post a Comment