Tuesday, March 8, 2016

અલંકાર પરિચય



અલંકાર
અલંકાર એટલે :- સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર
૧) શબ્દાલંકાર :- વાકયમાં કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. દા.ત.
૨) અર્થાલંકાર :-વાકયમાં કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે.
 ઉપમેય એટલે :-  જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે.
 ઉપમાન એટલે :- જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે ઉપમાન કહે છે.
 સાધારણ ધર્મ એટલે :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ  ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
ઉપમાવાચક શબ્દો :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શબ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે. દા.ત.- જેવું, જેમનું, તેમનું. સરખું, સમોડું,શી, તુલ્ય,પેઠે, માફક,સમાન  વગેરે.
શબ્દાલંકારના પ્રકાર ચાર પ્રકાર :-(૧) વર્ણાનુપ્રાસ  (વર્ણસગાઇ), (૨) યમક (શબ્દાનુપ્રાસ),(૩)  આંતરપ્રાસ  (પ્રાસસાંકળી), અને (૪) અંત્યાનુપ્રાસ
અર્થાલંકારના પ્રકાર આઠ પ્રકાર:- (૧) ઉપમા,(૨) ઉત્પ્રેક્ષા,(૩) રૂપક,(૪) અનન્વય (૫) વ્યતિરેક, (૬) શ્લેષ,(૭) સજીવારોપણ,  (૮) વ્યાજસ્તુતિ
અર્થાલંકાર
૧. ઉપમા અલંકાર:- ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને  છે. ઉપમાવાચક શબ્દો જેવા કે શી, શું, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, તુલ્ય, પેઠે, માફક અને સમાન શબ્દો વપરાય છે.
             દા.ત. – દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે. (દેવલ- ઉપમેય અને મોતીના દાણા- ઉપમાન)
ઉદાહરણો :-
  • પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
  • મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.
  • સંતરાની  છાલ જેવો તડકો વરસે છે.
  • ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.
  • શામળ કહે બીજાબાપડાપ્હાણસરીખા પારખ્યા.
  • શિશુ સમાનગણી સહદેવને
  • પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું.
  • માણસો માખીઓની જેમ મરતા હતા.
  • આપણેયંત્ર જેવા નથી કે આખો દિવસ કામ કર્યા કરીએ.
  • મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
  • ઘઉંની ફલક સોના જેવી થઇ ગઈ.

૨. ઉત્પેક્ષા અલંકાર:- ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ડોળ,સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પેક્ષા અલંકાર બને છે.
                    ઉત્પેક્ષા વાચક શબ્દો :- જાણે, રખે, શકે, શું.
                    દા.ત. :- હૈયું જાણે હિમાલય
ઉદાહરણો :-
  • જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે જીવન પ્રીતિ નથી.
  • સૃષ્ટિના વાળ જાણે રેશમની પટ્ટીઓ.
  • દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાંથી જ મળેલા.
  • મને જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું.
  • જ્યાં ત્યાં આવી વય બદલી સંતાપ જાણે પરીઓ.
  • આખા જડબામાં જાણે દાઢ જ હોય તેમ જણાતું હતું.
  • ખુદા જાણે તેમની પાસે આવી ઊભા રહ્યા.
  • એ મારી સફળતા જાણે પોતાની સિદ્ધિ સમજતા.
૩. રૂપક અલંકાર :- ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.
                  દા.ત.- પુત્રના અવસાન પછી મા શોક સાગરમાં ડૂબી ગઈ.
ઉદાહરણો :-
  • મને કેળવણીની માયાજાળમાં ફસાવી દીધો.
  • ફાગણના વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
  • ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહી રે.
  • સુન ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન!
  • વદન સુધાકરને રહું નિહાળી.
  • ધણી સુરભિસૂત છે.
  • પ્રકૃતિ ખુદ એક મહાન કવિતા છે.
  • વૃક્ષ જીવતો જાગતો દેવ છે.
  • મનુષ્ય લાગણીશીલ પ્રાણી છે.
  • કેળવણી પામેલી સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતું નથી.
  • ભણેલી સ્ત્રીથી સંસાર એક રમણીય બાગ લાગે છે.
  • ગુજરાતની ભૂમિ જોઈ હું આંદોલિત થઇ ગયો છું.
૪. અનન્વય અલંકાર :- ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. દા.ત. ગાંધીજી એટલે ગાંધીજી
ઉદાહરણો :-
  • મોતી એટલે મોતી
  • સાપ એટલે ચક્ષુ:શ્રવા.
૫. વ્યતિરેક અલંકાર :- ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. દા.ત.- એની વાણી અમૃતથીયે મીઠી હતી.
ઉદાહરણો :-
  • બાપુનું હદય ફૂલ કરતાં કોમળ હતું.
  • હલકાં તો પારેવાની પાંખથીયે મોટા જી.
  • દમયંતીના મુખ પાસે તો ચંદ્ર નિસ્તેજ લાગે છે.
  • ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમની પ્રવાહ રે.
  • એનું શરીર તો ફૂલથીય હલકું છે.
  • સુદામાનો વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ?
  • ગુલાબ લઉ ? ના કપોલ તુજ રમ્ય એથી ઘણા.
૬. શ્લેષ અલંકાર :- જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી અથવા એક જ શબ્દના બે અથવા બેથી વધારે અર્થ બને ત્યારે શ્લેષ અલંકાર બને છે. દા.ત. જવાની તો જવાની છે.
ઉદાહરણો :-
  • કેસરીસિઘ,આંબા નીચે મરવા પડ્યા છે.
  • પંકજ નામનો છોકરો છે.
૭. સજીવારોપણ અલંકાર :- નિર્જીવ વસ્તુમાં જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર  બને છે. દા.ત.- મને લાગ્યું ચાંદો ધીમે ધીમે ચાલી રહ્યો છે.
ઉદાહરણો :-
  • સડક પડખું ભરીને સૂઈ ગઈ હોય.
  • નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.
  • પવન પાંદડાં જોડે ગમ્મત કરે છે.
  • રાતે તડકાએ સીમમાં રાતવાસો કર્યો.
  • ઋતુઓ વૃક્ષોને વહાલ કરતાં થાકતી નથી.
  • ભડી ફરતે સોસાયટીના મકાન ઊગી ગયાં છે.

૮. વ્યાજસ્તુતિ અલંકાર :- જ્યારે વખાણરૂપે નિંદા અને નિંદારૂપે વખાણ કરવામાં આવે ત્યારે  વ્યાજસ્તુતિ અલંકાર બને છે. દા.ત.-શું તમારી બહાદૂરી ! ઉંદર જોઇને નાઠા!

ઉદાહરણો :-
  • શું તમારી હોંશિયારી ગુજરાતીમાં નપાસ થયા ?
  • રમેશને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે.
શબ્દાલંકાર
૧. વર્ણસગાઈ/ વર્ણાનુપ્રાસ /અનુપ્રાસ અલંકાર :- વાક્ય કે પંક્તિમાં પ્રારંભે એકનો એક અક્ષર બે અથવા બેથી વધારે વખત આવી ચમત્કૃતિ સર્જે ત્યારે આ અલંકાર બને છે.
                     દા.ત.- ટવર નિરખ્યા નેણ ! તે….
ઉદાહરણો :-
  • વિપદ પડે વણસે નહી.
  • માડી મીઠી, સ્મિત ધુરીને ભવ્ય મૂર્તિ પિતાજી
  • કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો થયા છે.
  • એ અસત્યનો અવતાર હતો.
૨. યમક/શબ્દાનુપ્રાસ :- જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવનારા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જાય ત્યારે આ અલંકાર બને છે. દા.ત.- સંપ ત્યાં જંપ નહિતર ધરતીકંપ
ઉદાહરણો :-
  • કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો.
  • ચેન નથી મન ! ક્યમ તને, ભેટે શ્યામ શરીર
  • સતી ખેદ હતી જોતી વદને વધતો જતો!

૩. આંતરપ્રાસ /પ્રાસસાંકળી :- પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણમાં પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને છે. દા.ત.- વિદ્યા ભણીયો જેહ,તેહ ઘેરે વૈભવ રૂડો.
ઉદાહરણો :-
  • મહેતાજી નિશાળે આવ્યા,લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ
  • આરે કાંઠે ગાતોજાતો સામે તીર
૪. અંત્યાનુપ્રાસ :- બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો આવી અંતે પ્રાસ રચાય  ત્યારે આ અલંકાર બને છે. દા.ત.-
                     બળની વાતો બહુ  કરે, કરે બુદ્ધિના ખેલ,
                     આપદ કાલે જાણીએ, તલમાં કેટલું તેલ.
ઉદાહરણો :-
  • ગુણ જશ અપરંપાર, દેશ બધામાં દીઠું,
ભોજનમાં તે ભળે, મનુષ્યને લાગે મીઠું.
  • જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે,
ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે.

No comments:

Post a Comment