Saturday, February 13, 2016

પ્રેમ એટલે લગ્ન પહેલાંનો સંબંધ નહીં – કૃષ્ણકાંત ઉનડકટ

(‘ચિંતનને ચમકારે’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)
હું તારો અને તું મારો અંશ છે,
આપણા પ્રેમનો એ જ સારાંશ છે.
– સાગર
તમે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ? આંખો બંધ કરો અને થોડાક ખોવાઈ જાવ. એ ક્ષણને યાદ કરો જ્યારે તમે પહેલી વખત તમારી પ્રિય વ્યક્તિને આઈ લવ યુ કહ્યું હતું. કેવી હતી એ ક્ષણ ? આખા શરીરમાં શું કંપતું હતું ? હ્રદયનું સ્પીડોમિટર કઈ ફિગરને ટચ કરતું હતું ? તમારી આંખોના ભાવ અને તમારા ટેરવાંના હાલ શું બયાન કરતાં હતાં ? પહેલા સ્પર્શનો રોમાંચ દરિયાના ઊછળતાં મોજાં જેવો હતો કે નહિ ? આખું જગત જાણે હથેળી ઉપર થનગનતું હતું. સૃષ્ટિનું સમગ્ર સૌંદર્ય આળસ મરડીને સમીપ આવી ગયું હતું. શ્વાસ બોલકો બની ગયો હતો અને ટેરવાંની ઝંખના સોળે કળાએ ખીલી ગઈ હતી. ભીની આંખોમાં ઊપસી આવેલી ઝાકળ આખા શરીરને ટાઢક આપતી હતી. આખું અસ્તિત્વ મોગરાના ફૂલની જેમ મઘમઘતું હતું. ચાર આંખો સિવાય સઘળું વિશ્વ ઓગળી જાય. બધું જ સમેટાઈ જાય પછી જે રચાય એ પ્રેમ. આંખો ખોલો અને વિચારો કે હજુ એ પ્રેમ એવો ને એવો અકબંધ છે ?
વેલેન્ટાઈન ડેનો દિવસ હોય ત્યારે પ્રેમનો એક દરિયો ઊમટતો હોય છે. પૂર્ણિમાની ભરતીની જેમ માણસ છલોછલ થઈ જતો હોય છે. આ છલોછલમાં ક્યાંય છળ હોતું નથી. દિલના કંપનમાં ક્યાંય કપટ હોતું નથી. મોઢામાંથી સરતા દરેક શબ્દો ગઝલ જેવા લાગે છે અને દરેક શબ્દનો રણકાર ઝાંઝર જેવો લાગે છે. તું છે તો બધું જ છે. તારા વગર આખું જગત ખાલીખમ, તારા વગરનું અસ્તિત્વ જાણે ભ્રમ. મારા શ્વાસ ઉપર પણ તારું સામ્રાજ્ય. મારા સપના ઉપર તારો જ અધિકાર : આયખું તને અર્પણ. બે હથેળી વચ્ચેના પરસેવાની ભીનાશમાં કેવી કુમાશ અનુભવાય છે ! પ્રેમના સ્વીકાર સાથે બધું જ મળી ગયાની લાગણીનો અહેસાસ. પહેલા પ્રેમના સ્વીકાર વખતે માણસ સંતોષની ચરમસીમાએ હોય છે, ત્યારે બીજું કંઈ જ હોતું નથી. એક માટે બધું જ છોડી દેવાની તૈયારી, એક માટે આખા જગત સાથે લડી લેવાની ખુમારી અને પોતાની જાતને પણ ન્યોછાવર કરી દેવાની દિલાવરી એક સાથે ઘોડાપૂરની જેમ ઊમટી આવે છે. કોયલનો ટહુકો વધુ મીઠો લાગવા માંડે છે. ફૂલોની સુગંધ સો ગણી વધી જાય છે. આંખોમાં તમામ રંગો રંગોળી રચે છે. ચારે તરફ એક જ ચહેરો ઊપસી આવે છે. બધું જ જીવવા જેવું લાગે છે. પ્રેમમાં હોય ત્યારે માણસ ઈશ્વરનો અંશ બની જાય છે. છોકરો હોય કે છોકરી, પ્રેમની સંવેદના સરખી હોય છે. દીવાનગી, આવારગી અને ફનાગીરી સવાર થઈ જાય છે. પ્રેમમાં માણસ સૌથી વધુ ડાહ્યો અને સૌથી વધુ પાગલ બને છે. બે એક્સ્ટ્રીમને એકસાથે અનુભવવાનો અહેસાસ એટલે પ્રેમ.
પ્રેમનો કોઈ કાળ હોતો નથી, તો પછી કેમ પ્રેમ ઘણી વખત ભૂતકાળ થઈ જાય છે ? સાચો પ્રેમ ક્યારેય ‘હતો’ થતો નથી પણ સાચો પ્રેમ કાયમ ‘છે’ જ રહે છે. પ્રેમલગ્ન થયાં હોય તોપણ અને કદાચ વિખૂટાં પડી જવાયું હોય તો પણા પ્રેમ જીવતો રહે તો જ પ્રેમ સાર્થક થાય. સમયની સાથે સરી જાય એ પ્રેમ નહીં, સમયની સાથે સજીવન થતો રહે એ પ્રેમ છે. પ્રેમ ડૂસકું બનીને કણસવો ન જોઈએ, પ્રેમ તરસવો જોઈએ, પ્રેમ વરસવો જોઈએ, પ્રેમ ગરજવો જોઈએ, પ્રેમ મહેકવો જોઈએ અને પ્રેમ જીવવો જોઈએ. પ્રેમને જિવાડવો માણસના હાથની વાત છે. પ્રેમ શું છે એ એને પૂછો જેણે પ્રેમ ગુમાવ્યો છે !
ટ્રેનમાં સામેની સીટ પર બેઠેલા પ્રેમી યુગલને જોઈ એકલા સફર કરતા વૃદ્ધની આંખોમાં પાછું ચોમાસું બેઠું. પાંસઠેક વર્ષની આ વ્યક્તિ ક્યાંક ખોવાઈ ગઈ. માણસ બુઢ્ઢો થાય છે, પ્રેમ નહીં. પ્રેમી યુગલે પૂછ્યું, તમે કોઈને પ્રેમ કર્યો છે ? વૃદ્ધે કહ્યું કે, પાંત્રીસ વર્ષ પછી આજે હું મારી પ્રેમિકાને મળવા જાઉં છું. હું લંડનથી આવું છું. પાંત્રીસ વર્ષથી દેશમાં પગ મૂક્યો ન હતો. મને ખબર પડી કે મારી પ્રેમિકાના પતિનું અવસાન થયું છે. હું તેને સાંત્વના આપવા જાઉં છું. મનમાં કેટલાય સવાલ છે. એ કેવી લાગતી હશે ? મારી આંખોએ તો છેલ્લે તેને વીસ-બાવીસની હતી ત્યારે જોઈ હતી.
હવે તેના વાળ ચોમાસામાં છવાતાં કાળાં વાદળ જેવા નહીં હોય ! એના ગાલ ઉપર ગુલાબની પાંદડી જેવી કુમાશ નહીં હોય ! ઊંડી ઊતરી ગયેલી આંખના કોઈ ખૂણાને ફંફોસી એ મને શોધશે ત્યારે હું મળી તો આવીશ ને ? દોડીને મારી પાસે ભાગી આવતી એ બરોબર ચાલી શકતી હશે ? મારા શબ્દો તેના જીર્ણ થઈ ગયેલા કાનમાંથી સોંસરવા દિલમાં ઊતરી જશે કે નહીં ? કરચલી પડી ગયેલા ટેરવાના સ્પર્શથી એ સાંત્વના અનુભવશે ? એવું થાય છે કે એ સામે આવે ત્યાં સુધી આંખો મીંચી દઉં. એ સામે આવશે ત્યારે મારે મારી આંખોમાં રહેલું તેનું દ્રશ્ય બદલવાનું છે. જ્યારે તેને પહેલી વખત જોઈ હતી એ રીતે હું તેને જોઈશ. મને ખબર છે, એ મને એવી જ લાગશે, સાવ પહેલાં જેવી જ ! અમારા બંને વચ્ચેથી માત્ર સમય પસાર થયો છે, પ્રેમ નહીં.
પ્રેમી યુગલના જકડાયેલા હાથની ભીંસ વધુ તીવ્ર બની. સામે બેઠેલો વૃદ્ધ જાણે પ્રેમની જીવતી જાગતી વ્યાખ્યા હતો. પ્રેમીઓએ એકબીજાની આંખોમાં જોયું. બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. આંખો જાણે આંખોને કહેતી હતી કે, આંખો ગમે એટલી ઊંડી ઊતરી જશે તો પણ તું અને હું એક રહીશું. સમય સાથે આપણા પ્રેમને ઝાંખપ નહીં લાગે. આંખો ભલે ઝીણી થાય, દિલને નાનું થવા નહીં દઈએ. આંખને પાંપણ ઓઢાડી બંને એક-બીજામાં ખોવાઈ ગયાં.
પ્રેમ સાત્ત્વિક છે, પ્રેમ સનાતન છે અને પ્રેમ જ અંતિમ સત્ય છે. પ્રેમ છેલ્લા શ્વાસ સુધી ધબકવો જોઈએ. પ્રેમને ઓગળવા ન દો. તમારી ક્ષણોને જીવતી રાખો તો પ્રેમ જીવતો રહેશે. શરત માત્ર એટલી જ છે કે પ્રેમને સંકોચાવા ન દેવો, પ્રેમને ખીલવા દેવો. પ્રેમ જ એક એવું ફૂલ છે જે ક્યારેય મૂરઝાતું નથી, સવાલ માત્ર પ્રેમના છોડને સતત સીંચતા રહેવાનો હોય છે. પ્રેમ દરેક સવાર સાથે નવા સ્વરૂપે સજીવન થતો રહે તો પ્રેમ સદાયે અમર રહે છે. સહુને સહુનો પ્રેમ મુબારક. તમારા દિલને જરાક ઢંઢોળી જુઓ, તમારો પ્રેમ સજીવન તો છે ને ?
– કૃષ્ણકાંત ઉનડકટ
[કુલ પાન ૨૦૮. કિંમત રૂ. ૨૦૦/- પ્રાપ્તિસ્થાનઃ નવભારત સાહિત્ય મંદિર દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧ ફોન. (૦૭૯) ૨૨૧૩૯૨૫૩]

No comments:

Post a Comment